વિરમગામ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા ગજજર સુથાર જ્ઞાતિ મંડળ – વિશ્વકર્માધામ દ્વારા સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય છઠ્ઠા પાટોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. વિક્રમ સંવત ૨૦૮૨ ના માગશર સુદ-૧૧, સોમવાર, તા. ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ ના શુભ દિવસે આ પાવન પાટોત્સવ ભવ્યતા, ભક્તિ અને ઉમંગ સાથે ઉજવવામાં આવશે. સમાજના સર્વ જ્ઞાતિજન, ભક્તો, ધર્મપ્રેમીઓ તથા ભામાશાઓને આ શુભ અવસરે ઉપસ્થિત રહેવા માટે મંડળ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભવ્યો પાટોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમને સફળ બનાવવા વિરમગામ વિશ્વકર્મા યુવા મંડળ આગેવાની કરી રહ્યું છે. સામૂહિક સહયોગથી થતો આ પાટોત્સવ સમાજની શક્તિ અને ભક્તિભાવનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વકર્મા દાદાના આશીર્વાદ સાથે હરખ અને હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા યજમાનપદની જવાબદારી અનેક સેવાભાવી પરિવારો દ્વારા નિભાવવામાં આવી રહી છે. છઠ્ઠા પાટલા માટે યજમાન તરીકે નિલેશભાઈ કે. જાદવાણી, મહેન્દ્રભાઈ બી. માથાસુરીયા, ભાવેશભાઈ કે. મોડાસરીયા, અજયભાઈ એન. વડગામા, રવિભાઈ આર. જાદવાણી, કેતનભાઈ એમ. વડગામા, ભરતભાઈ એચ. મોડાસરીયા (મોટા ગોરૈયા), નિપુણભાઈ જે. જોટાણિયા, બિમલભાઈ કે. જાદવાણી, હરીભાઈ એ. વડગામા, અલ્પેશભાઈ ઈ. ગજ્જર, અલ્પેશભાઈ ચ. ઉઘરોજા, પદુમલભાઈ ડી. સાપાવાડીયા (મોટા હરીપુરા), યોગીનભાઈ ભરતભાઈ વડગામા, અમરુતભાઈ આર. ચારોલા તથા અલ્પેશભાઈ ધ. ગજ્જર જેવી સેવાભાવી પ્રતિભાઓનું યોગદાન અમૂલ્ય છે. સમાજના આ અગ્રણીઓ સતત વર્ષોથી ધર્મકાર્યો અને સમાજ વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા છે.
દિવસભર ચાલનારા આ ધાર્મિક મહોત્સવ માટે વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૦૮:૦૦ કલાકે વિશ્વકર્મા યજ્ઞ પ્રારંભ સાથે કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે અભિષેક વિધિ યોજાશે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં હાજરી અપાવશે. વિશ્વકર્મા દાદાનું શૃંગાર દર્શન અને ધજા આરોહણ ૧૦:૧૫ કલાકે યોજાશે, જે પાટોત્સવનો મુખ્ય આકર્ષણ બિંદુ ગણાય છે. ત્યારબાદ બપોરે ૧૨:૧૫ કલાકે અન્નકુટ દર્શન તથા મહા આરતી યોજાશે, જેમાં ભક્તો દિવ્ય દરશનનો લાભ લેશે. મહા પ્રસાદનું આયોજન બપોરે ૧૨:૩૦ કલાકે રાખવામાં આવ્યું છે. ભક્તો માટે ફરાળની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમાજના પ્રમુખ રસીકભાઈ અને ઉપપ્રમુખ અરવિંદભાઈએ જણાવ્યું કે વિશ્વકર્મા સમાજ વર્ષોથી આ પાટોત્સવને માત્ર ધાર્મિક કાર્યક્રમ તરીકે નહીં પરંતુ સમાજને જોડતો, પરસ્પર પ્રેમને પ્રગટ કરતો અને ભાવિ પેઢીઓને ધાર્મિક વારસો પહોંચાડતો ઉત્સવ તરીકે ઉજવતું આવ્યું છે. સમાજના યુવાનો દ્વારા કરવામાં આવતી સેવા, વ્યવસ્થા, શિસ્ત અને સમર્પણ આ પાટોત્સવની ખાસિયત છે.
આ વર્ષે વિશેષ બાબત એ છે કે વિરમગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોના આવવાના અનુમાન સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી લઈને દર્શન વ્યવસ્થા સુધી દરેક ક્ષેત્રમાં આયોજન સમિતિ દ્રારા સુવ્યવસ્થિત આયોજન થયું છે. ભક્તો આરામથી દર્શન, પ્રસાદ અને ધાર્મિક વિધિઓનો લાભ લઈ શકે તે માટે સ્વયંસેવકો તત્પર રહેશે.
શ્રી વિશ્વકર્મા ધામ, કસ્ટમની ચાલી પાસે, ગોળપીઠા, વિરમગામ ખાતે ઉજવાતો આ પાટોત્સવ સમગ્ર સમાજ માટે ગૌરવની ઘડી છે. ધર્મપ્રેમ અને ભક્તિભાવને ઉજાગર કરતો આ પવિત્ર મહોત્સવ સમાજની એકતા અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે.
સમાજના સર્વે ભાઈઓ-બહેનો, ભામાશાઓ અને યુવાઓએ પાટોત્સવની તૈયારીઓમાં મહત્વનો ફાળો આપ્યો છે. સગા-સંબંધીઓ તથા સમગ્ર વિશ્વકર્મા પરિવારને આ પાવન પ્રસંગે સૌહાર્દ, સ્નેહ અને ભક્તિભાવ સાથે જોડાવવા મંડળ દ્રારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

