ચિઠોડા બારેશી પંચાલ સમાજ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી એકતા અને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ
વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના બારેશી પંચાલ સમાજના જ્ઞાતિજનો દ્વારા નવા વર્ષના અવસરે પરંપરાગત રીતથી સાથે સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસતા વર્ષના દિવસે ગામના પંખમુખી નાગેશ્વર મહાદેવ મંદિરે સૌ જ્ઞાતિજનો એકત્ર થઈ નવા વર્ષના આરંભે સામૂહિક ભોજનનો કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમનું સંપૂર્ણ દાયિત્વ ગામના યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક સંભાળવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાદેવ તથા વિશ્વકર્મા દાદાના આશીર્વાદ સાથે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી. પ્રાર્થના બાદ સર્વે જ્ઞાતિજનો પરસ્પરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષનું સ્વાગત કર્યું.
સામૂહિક ભોજન માટે ગામના દરેક પરિવારે ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું હતું. વડીલો, યુવાનો અને બાળકો – ત્રણે પેઢીઓ એક જ મંચ પર ભેગા થઈ આનંદના પળો વહેંચી રહ્યા હતા. મહિલાઓએ પણ રસોઈ અને વ્યવસ્થા સંભાળવામાં સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ, એકતા અને ભાઇચારાની ભાવના ઝળહળી ઉઠી હતી.
આ પ્રસંગે ગામના વડીલોએ યુવાનોને સમાજની એકતા જાળવવા માટે પ્રેરણા આપી અને આવા સામૂહિક કાર્યક્રમો સતત ચાલુ રાખવા માટે આશીર્વચન આપ્યા.
ચિઠોડા બારેશી પંચાલ સમાજનો આ કાર્યક્રમ સમાજમાં એકતા, સહકાર અને સંકલ્પશક્તિનું જીવંત ઉદાહરણ બની રહ્યો. સમગ્ર ગામના સહયોગ અને સમર્પણથી આ ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જે સમાજના સૌહાર્દ અને સંસ્કારની સુંદર છાપ મૂકી ગઈ.
(રિપોર્ટ : ધાર્મિક પંચાલ, વિરમગામ)
