અરવલ્લી જિલ્લામાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ યોજાયેલી તાલીમ પૂર્ણ થયા બાદ દોઢ વર્ષ વીતી જવા છતાં ૪૫ તાલીમાર્થીઓને જરૂરી ટૂલ કીટ ન મળતાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રોજગાર મેળવવા અને સ્વરોજગાર તરફ પગલાં ભરવાના હેતુથી આ તાલીમમાં જોડાયેલા તાલીમાર્થીઓનું સપનું હજુ પણ અધૂરું રહી ગયું છે.
અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪માં વિશ્વકર્મા તાલીમ યોજના અંતર્ગત મોડાસા સ્થિત વિશ્વકર્મા તાલીમ સેન્ટરમાં દરજી કામ માટેની વિશેષ તાલીમ યોજાઈ હતી. તા. ૧૩/૩/૨૦૨૪ થી ૨૨/૩/૨૦૨૪ દરમ્યાન યોજાયેલી આ તાલીમમાં કુલ ૪૫ રોજગાર ઇચ્છુક યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને સરકાર દ્વારા નક્કી મુજબ સ્ટાઈપેન્ડ અને તાલીમ પૂર્ણતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમાર્થીઓને માત્ર તાલીમ પૂરતી સીમિત રાખવામાં આવતી નથી, પરંતુ તેમને સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે જરૂરી સાધન સામગ્રી એટલે કે ટૂલ કીટ પણ આપવામાં આવે છે. આ ટૂલ કીટ દ્વારા તાલીમાર્થીઓ પોતાનું કામ શરૂ કરી આત્મનિર્ભર બની શકે તેવો ઉદ્દેશ્ય સરકારનો છે. જોકે, અરવલ્લી જિલ્લાના આ ૪૫ તાલીમાર્થીઓને દોઢ વર્ષ વીતી જવા છતાં ટૂલ કીટ ન મળતાં તેઓ નિરાશ થયા છે.
તાલીમ લીધા બાદ ઘણા તાલીમાર્થીઓએ દરજી કામ શરૂ કરવાની તૈયારી કરી હતી. કેટલાકે તો દુકાન ભાડે લેવાની કે ઘરે જ સિલાઈ કામ શરૂ કરવાની યોજના પણ બનાવી હતી. પરંતુ જરૂરી મશીનરી અને સાધનો વગર તેઓ કામ શરૂ કરી શક્યા નથી. પરિણામે રોજગાર મેળવવાની આશા રાખી તાલીમમાં જોડાયેલા આ યુવક-યુવતીઓ આજે પણ બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ટૂલ કીટ ન મળતા તાલીમાર્થીઓમાં રોષ ફેલાયો છે. વારંવાર વિભાગમાં રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતાં અંતે તમામ ૪૫ તાલીમાર્થીઓએ જિલ્લા કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં તેમણે દોઢ વર્ષથી અટવાયેલી ટૂલ કીટ તાત્કાલિક ફાળવવાની માંગ કરી છે. તાલીમાર્થીઓનું કહેવું છે કે સરકારની મહત્વાકાંક્ષી યોજના અમલમાં વિલંબ થવાથી તેમના જીવન અને ભવિષ્ય પર સીધી અસર પડી રહી છે.
તાલીમાર્થીઓએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા વહીવટ તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરશે અને તેમને વહેલી તકે ટૂલ કીટ આપવામાં આવશે. જો સમયસર ટૂલ કીટ મળશે તો તેઓ સ્વરોજગાર શરૂ કરી પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશે અને પીએમ વિશ્વકર્મા યોજનાનો સાચો હેતુ સાકાર થશે.
(રિપોર્ટ : ધનજીભાઈ પંચાલ, અમદાવાદ)

