ન્યુ મણિનગર શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા 31 જાન્યુઆરીએ સમાજલક્ષી આયોજન
અમદાવાદ। સમાજ સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કાર્યરત શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યુ મણિનગર છેલ્લા પાંચ વર્ષથી મોખરે રહી વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમો કરે છે. કૃણાલભાઈ બદ્રકીયા ના નેતૃત્વમાં ગત વરસોની જેમ આ વર્ષે પણ વિશાળ સામાજિક આયોજન 31 જાન્યુઆરી, શનિવારે સાંજે આનંદમય અને શાંત વાતાવરણ ધરાવતા મોટા ખુલ્લા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવશે.
આ ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમાજ માટે અનેક સકારાત્મક પ્રવૃત્તિઓ થઈ છે. જેમાં વિશ્વકર્મા ટેલેન્ટ શો, ઉનાળામાં પક્ષીઓ માટે કુંડા વિતરણ, આયુષ્માન કાર્ડ, આવકના દાખલા, ઈ-શ્રમ કાર્ડ, મેડિકલ કેમ્પ જેવી જરૂરી સેવાઓ સતત આપવામાં આવી છે. સમાજના સૌ સભ્યો મળીને કૃણાલભાઈ બદ્રકીયા ની ઓફિસથી આ સેવાઓ વર્ષોથી નિઃશુલ્કરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
વિશ્વકર્મા જયંતિ મહોત્સવ પર પાંચેક વર્ષથી સમૂહ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજન પ્રસાદનું આયોજન સમાજને એકતાના સૂત્રમાં બાંધતું રહ્યું છે. છેલ્લા બે વર્ષથી અમદાવાદ પૂર્વમાં અન્ય સંસ્થાઓ દ્વારા બપોરે ભોજન પ્રસાદ શરૂ થતા શ્રદ્ધાળુઓ બે-ત્રણ જગ્યાએ વહેચાઈ જતાં હતા, પરંતુ આ વર્ષે સમાજે નવી વિચારસરણી અપનાવી છે.
આ વર્ષે 31 જાન્યુઆરીના આયોજનમાં સાંજે 5 વાગ્યાથી ખુલ્લા વાતાવરણમાં અનોખા અને સમાજલક્ષી કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને નાના વર્ગો — જેમ કે છૂટક મજૂરી કરતા લોકો, નાના ધંધાર્થીઓ અને ઘરઆધારિત કામ કરતી બહેનોને સીધી બેંક ખાતામાં સહાય પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના માટે સ્થળ પર ખાસ નોંધણી અને ફોર્મ ભરાવાની વ્યવસ્થા રહેશે.
તેઓ સાથે સમાજના કલાકારો, લેખકો, ગાયક અને કવિઓ માટે “શ્રી વિશ્વકર્મા” પર ગીત-ભજન અથવા કવિતા રજૂ કરવાની ખાસ પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવશે. ગ્રુપ ફોર્મ ટૂંક સમયમાં શેર કરશે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દાદાની મહાઆરતી અને ત્યારબાદ સૌ સમાજજન સાથે દેશી અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો સાથેનો ભોજન રહેશે.
સાંજે અમદાવાદ પૂર્વમાં અન્યત્ર ક્યાંય પણ ભોજન પ્રસાદનું આયોજન ન થતું હોવાથી આ કાર્યક્રમ વિશેષ બની રહેવાનો છે. ભવિષ્યમાં જરૂર પડે તે મુજબ 2026 પછી આયોજનમાં ફેરફારો પણ કરવામાં આવશે.
આયોજકોએ સમાજજનને વિનંતી કરી છે કે શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિત્તે યોજાયેલા આ સમાજલક્ષી કાર્યક્રમમાં સહભાગી બની આયોજનને સફળ બનાવે.
અંતે સૌને "જય વિશ્વકર્મા" સાથે કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.
