યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો: ભારતની સાંસ્કૃતિક ગૌરવગાથાને વૈશ્વિક માન્યતા

  યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો: ભારતની સાંસ્કૃતિક ગૌરવગાથાને વૈશ્વિક માન્યતા

યુનેસ્કોએ ભારતના સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર દિવાળીને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાયેલી યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા રક્ષણ માટેની આંતર-સરકારી સમિતિ (ICH)ના વિશ્વસ્તરીય સત્રમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ખાસ વાત એ છે કે આ પહેલી જ વાર છે જ્યારે ભારતે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સત્રનું યજમાનીત્વ સંભાળ્યું છે. આ નિર્ણય દ્વારા દિવાળીની પરંપરા, આધ્યાત્મિકતા અને સામૂહિક ઉજવણીને વૈશ્વિક સ્તરે સત્તાવાર માન્યતા મળી છે.

દિવાળી માત્ર હિંદુ સમાજનો તહેવાર નથી, પરંતુ વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓને સાથે જોડતો એક ઉત્સવ છે. પ્રકાશ, આનંદ, સદાચાર અને સકારાત્મકતાનું પ્રતિક માનાતી આ ઉજવણી ભારતમાં તેમજ વિશ્વભરના ભારતીય મૂળના લોકોમાં ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. ઘર-આંગણામાં દીપ પ્રગટાવવાથી લઈને આતશબાજી, પૂજા, પરિવાર સાથેના સમાગમ અને સામુદાયિક કાર્યક્રમો જેવા અનેક પરંપરાગત રૂપો દિવાળીના મહત્વને જીવન્ત રાખે છે.

યુનેસ્કોએ દિવાળીને આ યાદીમાં સ્થાન આપતાં જણાવ્યું કે આ તહેવાર માનવ સમાજમાં પ્રકાશ, શાંતિ, એકતા અને નૈતિક મૂલ્યોનો સંદેશ આપે છે. સામાજિક સુમેળ, પરિવારબંધન અને સાંસ્કૃતિક સંરક્ષણને પ્રોત્સાહન આપનાર દિવાળી વિશ્વના અનેક દેશોમાં માનવ સંસ્કૃતિની સમૃદ્ધિનું અનોખું પ્રતિનિધિત્વ કરે છે. આ માન્યતા ભારત માટે માત્ર ગૌરવની વાત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય પરંપરાઓ પ્રત્યે વધતી જતી રસ અને સન્માનનું પ્રતિક પણ છે.

ભારત સરકાર, સંસ્કૃતિ મંત્રાલય અને વિવિધ સમાજ સંગઠનો દ્વારા વર્ષોથી દિવાળી સાથે સંકળાયેલી પરંપરાઓને જળવાઈ રાખવા અને તેને વિશ્વ સુધી પહોંચાડવા સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ માન્યતા મળવાથી ભારતીય સમાજને પોતાની પરંપરાગત કળાઓ, લોકવિધિ, ધાર્મિક રીત-રિવાજો અને સામૂહિક ઉત્સવોને સંરક્ષણ માટે વધુ પ્રેરણા મળશે.

યુનેસ્કોના આ નિર્ણયથી ભારતની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ મળી છે. દિવાળી હવે માત્ર ભારતનો નહીં પણ સમગ્ર માનવજાતનો ઉજવાય તેવો સાંસ્કૃતિક ઉજાસ બની ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું