આપ સહુંને જણાવતા આનંદ થાય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ગામે ‘સોનાની નગરીના' મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવેલ છે. આ મ્યુઝિયમમાં પ્રવેશ માટે ₹ 30/- નો ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. મ્યુઝિયમમાં અંદર પ્રવેશતા જ સર્વપ્રથમ સમ્રગ સૃષ્ટિના સર્જનહાર, આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય સુશોભિત અને સોળે કલાએ ખીલેલે મૂર્તિ દર્શન માટે સ્થાપિત કરવામાં આવી છે. મ્યુઝિયમ અંદર પ્રવેશતાંજ સામેના ભાગમાં સહું શ્રદ્ધાળુઓને શ્રી વિશ્વકર્માદાદાના અદ્ભુત દર્શન થાય છે, જે અત્યંત શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે.
ત્યારબાદ જ્યારે સમગ્ર મ્યુઝિયમને નિહાળવામાં આવે છે, ત્યારે મનમાં એક અનોખી પ્રેરણા, આનંદ અને ગર્વની અનુભૂતિ થાય છે. આ સોનાની દ્વારકા માત્ર એક મ્યુઝિયમ નથી, પરંતુ એ આપણાં ઐતિહાસિક વારસાની યાદ અપાવે છે અને ભવિષ્ય માટે નવી દિશા આપે છે. જયારે દેવભૂમિ દ્રારકા જવાનું થાય તો બેટ દ્રારકા મ્યુઝિયમ ની મુલાકાત લઈને આ દર્શનનો લાભ પ્રાપ્ત કરવા સહુ જ્ઞાતિજનોને ભાવસભર વિનંતી.
આપણા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્માદાદા દ્વારા રચાયેલ સોનાની દ્રારકા નગરી દેવભૂમિ દ્વારકા મા હાલ પણ સમુદ્રના પાતાળમાં પવિત્ર રીતે બિરાજમાન છે. તેમના આ અદભુત અને ભવ્ય સર્જનના દર્શન માટે ભારત સરકાર સતત સુરક્ષા ધ્યાનમાં રાખીને તેમજ સરળતા પૂર્વક દર્શન માટે વૈજ્ઞાનિકો દ્રારા સતત રિસર્ચના પ્રયત્નો કરી રહી છે. જ્યારે આ અભિયાનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે, ત્યારે દરેક શ્રદ્ધાળુને આ સોનાની નગરી દ્વારકાના દિવ્ય દર્શન કરવાનો સુઅવસર પ્રાપ્ત થશે. શ્રી વિશ્વકર્મા વંશજ તરીકે આપણું પવિત્ર કર્તવ્ય છે કે જ્યારે પણ સરકાર દ્વારા આ દર્શન માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવે, ત્યારે આપણે સહુંએ આ સુવર્ણ દર્શનનો લાભ લઈ શ્રી વિશ્વકર્માદાદાના દ્રારા સર્જન કરવામાં આવેલ સોનની નગરીના દર્શન કરી ધન્યતા ની નિહાળવી જોઈએ અને તે ક્ષણે આધ્યાત્મિક ગૌરવની અનુભૂતિ થશે.
અહીં આવીને આપણને એ અહેસાસ થાય છે કે આપણે સર્જનહાર શ્રી વિશ્વકર્મા દાદાના વંશજ છીએ. તેમના ગુણો, તેમની સર્જનાત્મકતા, હકારાત્મકતા અને નવી ઊર્જા આપણા લોહીમાં જ રહેલી છે. આ વાતને ગર્વપૂર્વક કહી શકાય કે આજ પણ આપણામાં તે જ તાકાત, તે જ કલા અને તે જ ઉર્જા જીવંત છે.
હાલમાં આપણા પ્રિય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પાવન દર્શનનો લાભ લઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.
ત્યારે આપણને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દિવ્ય દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, જે આપણાં માટે ગૌરવ અને અપૂર્વ આનંદની ક્ષણ છે.
આવા દર્શન માત્ર આંખોથી જોવાનાં નથી, પરંતુ આત્માને સ્પર્શી જાય છે. તેમાં ભક્તિની ઊંડાઈ, શ્રદ્ધાની શક્તિ અને જીવનને પ્રકાશિત કરતી સકારાત્મક ઊર્જા સમાયેલી છે. આશા રાખીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવેલ આ પાવન દર્શન આપણાં જીવનમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સર્વના કલ્યાણ માટે પ્રેરણાસ્ત્રોત બની રહશે.
સાદર,
પ્રફુલ બી. બકરાણીયા