રાજકોટ: રાજકોટ શહેરમાં ગઈકાલે શરૂ થયેલી ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવને કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને ટ્રાફિક પોલીસે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ મામલે રાજકોટના ભાજપના ધારાસભ્યો દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવતા, સરકારે હાલ પૂરતી હેલ્મેટની કડક અમલવારી મોકૂફ રાખી છે.
ધારાસભ્યોની રજૂઆત
રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશ ટીલાળા, અને ડૉ. દર્શિતા શાહએ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી લેખિત રજૂઆત કરી હતી. તેમણે મંત્રીને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો હેલ્મેટ પહેરવા ટેવાયેલા નથી અને દંડની આ કડક કાર્યવાહીથી લોકોમાં ભારે આક્રોશ છે. દંડના બદલે લોકોમાં સમજણ આવે તે હેતુથી જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
દંડ વસૂલવાનો હેતુ નથી: ગૃહ રાજ્ય મંત્રી
ધારાસભ્ય ઉદય કાનગડના જણાવ્યા અનુસાર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે સરકારનો હેતુ દંડ વસૂલવાનો નથી, પરંતુ વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ કેળવાય તે છે. તેમણે આ માટે જરૂરી સૂચનાઓ જારી કરવાની પણ વાત કરી હતી. કાનગડે ઉમેર્યું કે તેઓ રાજકોટની જનતા સાથે છે અને કડક અમલવારીથી લોકોને હાલાકી ન થવી જોઈએ.
આ રજૂઆત બાદ, હાલમાં ટ્રાફિક પોલીસે દંડ વસૂલવાને બદલે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં હેલ્મેટ પહેરીને નીકળતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.