દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશજીના મુખ્ય મંદિરના મુખ્ય દ્વારને નવી શોભા વધારનાર બનાસકાંઠાના પ્રસિદ્ધ ધાતુશિલ્પ કારીગર શ્રી જયંતિભાઈ સુથારએ ચાંદીની પિછવાઈ કળાત્મક રીતે તૈયાર કરી છે. આ ધાતુશિલ્પ કૃતિ ભગવાનના મંદિરની પવિત્રતા અને સૌંદર્યમાં અનોખી તેજસ્વી ઝાંખી ઉમેરે છે.
જયંતિભાઈ સુથાર, બનાસકાંઠા જિલ્લાના કુવાડવા ગામના વતની, ધાતુશિલ્પ કળામાં વર્ષોથી નિષ્ણાત છે. તેમણે મંદિરના મુખ્ય દ્વાર ઉપર ચાંદીની 20 ગેજ સીટ પર હાથથી એમ્બોઝ ડિઝાઇન બનાવી છે, જે શ્રી દ્વારકાધીશજીના દરબારની દિવ્યતા સાથે સુમેળ ધરાવે છે.
તેમની આ કળાકૃતિ દ્વારકાધીશજી મંદિર ટ્રસ્ટના આદેશ મુજબ સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. સુથાર સમાજ અને સમગ્ર બનાસકાંઠા માટે આ સિદ્ધિ ગૌરવની બાબત ગણાય છે.
જયંતિભાઈએ જણાવ્યું કે, “આ દિવ્ય કાર્ય પરમ કૃપાળુ ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદથી સફળ થયું. આ મારી જીવનની અતિ પવિત્ર ક્ષણ છે.”
શ્રી દ્વારકાધીશ મંદિરની આ નવી ચાંદીની પિછવાઈ કળા હવે દેશભરમાંથી આવતા ભક્તોને ગુજરાતની કારીગરીનો તેજસ્વી નમૂનો દર્શાવશે.


