મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય મહિલાઓએ ઇતિહાસ રચ્યો — ૨ નવેમ્બર ના રોજ ભારતની મહિલા ટીમ વિશ્વ વિજેતા બની અને દેશનું ગૌરવ વધાર્યું. એ જ દિવસે, ભૂજ હાટ ખાતે ગાંધી શિલ્પ પ્રદર્શન દરમિયાન કચ્છની મહિલા અસ્મિતા સોનીએ પરંપરાગત રોગાન કલાનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
આ પ્રસંગે માનનીય સાંસદ વિનોદ ચાવડા તથા ભૂજની મેયર રશ્મિબેન સોલંકી ઉપસ્થિત રહ્યા અને અસ્મિતા સોનીને શુભેચ્છા પાઠવી. પરંપરાગત રીતે રોગાન કલા ક્ષેત્રમાં પુરુષોનું પ્રભુત્વ માનવામાં આવે છે, પરંતુ અસ્મિતા સોનીએ આ માન્યતા ખોટી સાબિત કરી.
મૂળ મોટી વિરાણી, નખત્રાણા તાલુકાની રહેવાસી અસ્મિતા સોની વ્યવસાયે શિક્ષિકા છે, છતાં પોતાની મૂળ પરંપરા અને કલા પ્રત્યેની લગનથી તેમણે રોગાન કલા માં વિશેષતા મેળવી છે. ભારતીય વસ્ત્ર મંત્રાલય દ્વારા આયોજિત આ પ્રદર્શન માં તેમણે પ્રથમ વખત લાઈવ ડેમોસ્ટ્રેશન આપ્યું અને કચ્છની મહિલા શક્તિનું અનોખું પ્રતીક બની.
અસ્મિતા સોનીની આ સિદ્ધિ કચ્છની મહિલા કલાકારો માટે પ્રેરણારૂપ બની છે અને મહિલાઓના સર્જનાત્મક યોગદાનમાં એક વધુ સોનેરી પીછું ઉમેર્યું છે.


