કચ્છની સંસ્કૃતિ, કળાઓ અને રોગાન કૃતિઓનો વિશ્વમોહક મહોત્સવ”

કચ્છનું વિશ્વપ્રસિદ્ધ રણ ઉત્સવ ૨૩ નવેમ્બરથી ભવ્ય રીતે શરૂઆત કરવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે. કચ્છની જીવાદોરી ગણાતો આ રણ ઉત્સવ દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને પોતાની અનોખી સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યથી આકર્ષે છે. આ વર્ષે પણ ૨૩ નવેમ્બરથી ૨૦ ફેબ્રુઆરી સુધી યોજાનાર આ ઉત્સવને લઈને સમગ્ર કચ્છમાં ઉમંગ અને ઉત્સાહનું માહોલ સર્જાયો છે.

રણ ઉત્સવ કચ્છના કલાકારો અને કારીગરો માટે આશીર્વાદરૂપ બની રહે છે. તેમની પરંપરાગત કલાઓને વૈશ્વિક ઓળખ અપાવવા આ ઉત્સવ વર્ષોથી અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે. હેન્ડીક્રાફ્ટ, કાચનું કામ, બંધણી, અજબનું કઢાઈ કામ અને વિવિધ લોકકલાઓને પ્રોત્સાહન આપતા આ ઉત્સવમાં વિદેશી પ્રવાસીઓની ખાસ આવક રહેતી હોય છે. તેઓ કચ્છની સંસ્કૃતિ, લોકકલાઓ અને હસ્તકલાકૃતિઓ પ્રત્યે વિશેષ રસ દાખવી ખરીદી પણ કરે છે. આથી સ્થાનિક કારીગરોને રોજગારી અને વૈશ્વિક બજારમાં ઓળખ મળે છે.

કચ્છની પ્રખ્યાત અને દુર્લભ કલા ‘રોગાન આર્ટ’ પણ આ ઉત્સવનો એક મુખ્ય આકર્ષણ છે. વિશ્વવિખ્યાત બનતી જઈ રહેલી આ રોગાન કલાની નવી કૃતિઓ પ્રવાસીઓમાં રસ જાગે છે. આ વર્ષે માધાપરના જાણીતા કલાકાર આશિષ કંસારાએ ‘ધોરડો અને રણ ઉત્સવ’ના વિષય પર અનોખી રોગાન પેઈન્ટિંગ તૈયાર કરી છે. આ કૃતિ ધોરડાની આબેહૂબ કહાની વર્ણવે છે જેમાં કચ્છના સફેદ રણની અદભુત છટા, પૂર્ણિમાના ચંદ્રની ચાંદની, ટેન્ટ સિટીનો કલાત્મક નજારો, કચ્છનું પરંપરાગત જીવન, કચ્છી વેશભૂષા, હાટબજાર અને ઊંટગાડી જેવી સુંદરતા દર્શાવવામાં આવી છે. રોગાન કલાકૃતિઓમાં આવી કલાત્મક વિગતવાર રચનાની દુર્લભતા હોવાને કારણે આ કૃતિ ખાસ ચર્ચામાં છે.

ધોરડો રણ ઉત્સવને દેશ-વિદેશમાં વધતી લોકપ્રિયતા મળવાનું મુખ્ય કારણ આવા પ્રતિભાશાળી કલાકારોની રચનાઓ અને કચ્છની અનોખી ધરોહર છે. ઉત્સવ માત્ર સાંસ્કૃતિક મહોત્સવ નથી, પરંતુ કચ્છની ઓળખ, કચ્છના ગૌરવ અને કચ્છના ભાવવિભોર ઇતિહાસની ઉજવણી છે.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી વિઝન અને કચ્છ પ્રત્યેના ખાસ લગાવને કારણે આજે કચ્છનું કાયાપલટ થઈ ગયું છે. ભૂકંપ બાદ પુનઃવિકાસ થી લઈને રણ ઉત્સવને વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઉભું કરવા સુધી, કચ્છનું નામ આજે દુનિયાભરમાં તેજસ્વી રીતે ઝળકતું થયું છે. એ કારણે જ લોકો ગર્વથી કહે છે – “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.”

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું