"સ્મિત"
કોઈપણ વ્યક્તિના ચહેરા પરના સ્મિતની કિંમત આંકવી ખૂબ મુશ્કેલ છે. આપણે આપણી જિંદગીમાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સ્મિત સાથે મિત્રતા કરવી પડે.ચહેરા પરના સ્મિતને હંમેશા જીવંત રાખવું પડે. કોઈ પણ વ્યક્તિના ચહેરા પર આવેલું હળવું સ્મિત એ એના મુખની શોભા છે. સ્મિતનું પણ એક આગવું સૌન્દર્ય છે. સ્મિત આપણા ચહેરા પર આપોઆપ પ્રગટ થવું જોઈએ. જો સ્મિતમાં બનાવટ ભળે ત્યારે તેનું સૌંદર્ય નાશ પામે છે. જેમ ફૂલમાંથી સુગંધ આપોઆપ પ્રગટે એજ રીતે મુખ પર સ્મિત આપોઆપ પ્રગટ થવું જોઈએ. નિર્દોષ સ્મિતમાં પ્રભુતા વાસ કરે છે. કોઈના સ્મિતમાં ભોળપણ હોય છે, કોઈના સ્મિતમાં ભાવતા હોય છે, તો કોઈના સ્મિતમાં લુચ્ચાઈ છુપાયેલી હોય છે. સારા માણસોના સ્મિતમાં અને ખરાબ માણસોના સ્મિતમાં જમીન આકાશનો ફરક હોય છે. સારા વ્યક્તિનું સ્મિત મોહક અને મધુર હોય છે. જ્યારે ખરાબ માણસોનું સ્મિત ખંજર જેવું તીક્ષ્ણ હોય છે.
આવું જ કંઈક નેતા કે રાજકારણીય વ્યક્તિના સ્મિતનું હોય છે. નેતા જ્યારે કંઈજ બોલતા નથી ત્યારે તેના મુખ પરનું સ્મિત કંઈક બોલતું હોય છે. નેતાના સ્મિતમાં વીંછીનો ડંખ હોય છે. તલવારની ધાર હોય છે. લાલચ હશે અને દૂષણ પણ હશે. શબ્દો દ્વારા જે વાત કહી શકાતી નથી, એ માત્ર એક હળવા સ્મિત દ્વારા સારી રીતે કહી શકાય છે. સ્મિત એતો અંતર મનનો પ્રગટ થતો ભાવ છે. હોઠ પરની એક લિપિ છે.રસ્તા પર કે કોઈપણ જગ્યાએ આપણને અણધારી રીતે મળી ગયેલા સ્મિતને આપણે ભૂલી શકતા નથી.
આ બધામાં સૌથી સુંદર સ્મિત હોય તો એ છે વૃદ્ધ માતાનું સ્મિત. એના સ્મિતમાં ગંગાની પવિત્રતા છે.આ સ્મિતનું બીજું નામ પ્રાર્થના છે, આશીર્વાદ છે, શુભકામના છે,સ્મિત આપણી સભ્યતા છે. સંસ્કાર છે, વ્યક્તિનો આગવો શણગાર છે. માટે ચહેરા પર સ્મિત હંમેશા જીવંત રાખવું જોઈએ. સ્મિતના જવાબમાં સામેથી સ્મિત ન મળે તો પણ ચિંતા કરવાની નહી. એક હળવા સ્મિત સાથે ઘણા ગૂંચવણભર્યા પ્રશ્નોનો પણ ઉકેલાઈ જતા હોય છે.ચહેરા પર હળવું સ્મિત પાથરીને ગમે ત્યાં જશો તો તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે દુનિયાના તમામ પ્રાણીઓમાં મનુષ્ય સૌથી અલગ પડે છે, કેમ કે ઈશ્વરે તેને હસવા બોલવાની અને પોતાની ભાવના વ્યક્ત કરવાની શક્તિ આપી છે.સ્મિત વગરનો કોઈ ચહેરો જોવો તો તમારા સ્મિતમાંથી થોડું સ્મિત એને જરૂર આપજો.
તમારી પાસે તમારી આસપાસ કોઈને આપવા માટે ભલે કશુંજ ન હોય તમે તેને એક સ્મિત તો આપી શકોને ? સ્મિતની કોઈ કિંમત નથી છતાં તે ખૂબજ મૂલ્યવાન છે.
" સ્મિત એટલે લાગણીના હસ્તાક્ષર "
લેખક : અસ્મિતા વિસરોલીયા (થાનગઢ, ચોટીલા)