એકતરફ વિશ્વમાં આતંકવાદ ભરડો લઈ રહ્યું છે,ત્યારે મન શાંતિ તરફ દોડ મૂકતું રહે છે.જ્યારે પણ શાંતિ,પ્રેમ,દયા,કરુણા એવા વિષય પર વિચાર કરીએ ત્યારે સૌથી પહેલા એક જ નામ યાદ આવે ' બુદ્ધ '.દુનિયામાં પૃથ્વીનો કેટલીયવાર નાશ થઈ શકે તેવા પરમાણુ અને રાસાયણિક હથિયારોનું નિર્માણ થઈ ગયું છે.જે માનવજાતની તથા સમગ્ર જીવસૃષ્ટિનો નાશ કરવા સક્ષમ છે.દુનિયામાં આતંકવાદથી મરતા લોકોની સંખ્યા દરવર્ષે લાખોનો આંકડો પાર કરી જાય છે.લોકોને યુદ્ધ થી બુદ્ધ તરફ જવાની ખાસ જરૂર છે.મોટાભાગના લોકો હવે શાંતિ નો મહિમા સમજતા થયા છે ઘર,ફ્લેટ,ઓફિસ અને સ્કૂલમાં બુદ્ધ પ્રતિમાઓ વિશેષ જોવા મળી રહી છે.બુદ્ધના સમયનો એક સુંદર પ્રસંગ મને બહુ ગમે છે.
બુદ્ધ પોતાના શિષ્યો સાથે ગામેગામ જઈ પ્રેમ અને કરુણાની વાતો લોકોને સમજાવતા.બુદ્ધ એક ગામમાં રોકાયા,ઘણા લોકો તેમના દર્શને આવતા.તે ગામમાં એક ગણિકા રહેતી,તેને પણ બુદ્ધ વિશે સાંભળેલું.બુદ્ધ જ્યારે પોતાના જ ગામમાં આવ્યા છે તેવું તેણે જાણ્યું એટલે તેમના દર્શનની લાલસાને તે રોકી ના શકી.તે પણ બુદ્ધ પાસે આવી,દર્શન કરી પોતાના ઘરે પધારી અને ભોજન લેવાનુ નિમંત્રણ આપી આવી.
ગામનો મુખી પણ તે સમયે લોકો સાથે ત્યાં આવ્યા અને બુદ્ધને કહેવા લાગ્યો,તથાગત આપ તે સ્ત્રીના ઘરનું અન્ન ન લેતા.તે સ્ત્રી ચરિત્રહીન અને ગણિકા છે.બુધ્ધે મુખીનો હાથ પકડી લીધો અને કહ્યું બીજા હાથે તાળી પાડો.મુખીએ કહ્યું મહારાજ મારો એક હાથ આપે પકડી રાખ્યો છે,તો બીજા હાથે એટલે કે એક હાથે કેમ તાળી પડે?બુદ્ધે કહ્યું જેવી રીતે એકહાથે તાળી નથી પડતી તેવી રીતે ગામના પુરુષો ચારિત્રહીન હોય તો જ કોઈ સ્ત્રી ચારિત્રહીન બને છે,અન્યથા નહી.બુદ્ધની વાતો સાંભળી ગામના પુરુષોના મોં નીચા નમી ગયા.ગણિકા બુદ્ધ થી પ્રભાવિત થઈ તેની શિષ્યા બની.
Written by