કુરુક્ષેત્ર, હરિયાણા: તાજેતરમાં "એક ભારત શ્રેષ્ઠ ભારત" પહેલ હેઠળ હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાયેલા "આંતર-રાજ્ય યુવા વિનિમય કાર્યક્રમ–2025"માં ગુજરાતની પ્રતિભા ઝળકી ઉઠી છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 900 યુવાનોએ ભાગ લીધો હતો, જેમાં દરેક રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, લોકનૃત્ય અને લોકસંગીતનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક દાહોદની કુ. રાજવી વિજય કુમાર કડિયાને મળી, જેમણે પ્રેઝન્ટેશન (PPT) અને વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાતની સંસ્કૃતિને અસરકારક રીતે રજૂ કરી.
ગુજરાત સરકારના રમતગમત અને યુવા વિભાગ દ્વારા પસંદ કરાયેલા બે વક્તાઓમાંથી એક તરીકે રાજવીની પસંદગી થઈ હતી. તેમણે પોતાના પ્રેઝન્ટેશન અને વક્તવ્ય દ્વારા ગુજરાતના ભવ્ય ઇતિહાસ, અદ્ભુત સંસ્કૃતિ અને આધુનિક વિકાસનું ચિત્રણ કર્યું. તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી તેમણે સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું, જેના માટે હરિયાણા સરકાર દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની, હરિયાણાના યુવા અને રમતગમત મંત્રી, તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા અને વિવિધતાને ઉજાગર કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જ્યાં યુવાનોએ એકબીજાની સંસ્કૃતિને નજીકથી જાણવાનો મોકો મળ્યો.