અમદાવાદ: અમદાવાદના ઓગણજ સ્થિત વિશ્વકર્મા સંકુલમાં પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ શ્રાવણ માસની અમાસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભજન-કિર્તન અને પાદુકા દર્શન
આ ખાસ દિવસે વિશ્વકર્મા દાદાના મંદિરે ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આ ઉપરાંત, ઇલોરગઢ નિવાસી વિશ્વકર્મા દાદાની પાદુકાના દર્શનનો લાભ લેવાની પણ તક મળશે.
દાતાનો આભાર અને મહાપ્રસાદ
આ અમાસના ફરાળી પ્રસાદની સેવા નટવરલાલ નારાયણદાસ સુથાર (વતન: ઉદેલા, હાલ: ઓઢવ, અમદાવાદ) તરફથી પ્રાપ્ત થઈ છે. ટ્રસ્ટે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે અને દાદાના આશીર્વાદ તેમના પર સદાય રહે તેવી પ્રાર્થના કરી છે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા સૌ જ્ઞાતિજનોને સવારથી જ વિશ્વકર્મા સંકુલ, ઓગણજ ખાતે પધારવા માટે વિનંતી કરવામાં આવી છે.
સૌનો સાથ, સમાજનો વિકાસ
જો કોઈ જ્ઞાતિજન મહાપ્રસાદ સિવાય પણ પ્રસાદીની સેવા આપવા ઇચ્છતા હોય તો તેઓ મંત્રી શ્રી અશ્વિનકુમાર જોઈતારામ સુથાર (આખજવાળા, હાલ: ગાંધીનગર)નો સંપર્ક કરી શકે છે. સમાજના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યોએ "સૌનો સાથ સમાજનો વિકાસ"ના સૂત્ર સાથે સૌ જ્ઞાતિજનોને આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.