ગૌરવ : થરાદના યુવા લેખકને લાલ કિલ્લા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આમંત્રણ મળ્યું


દેશના પ્રતિભાશાળી ૭૫ યુવા લેખકોમાં પસંદગી કરવામાં આવી હતી.

****

       નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે પંદરમી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા દિલ્હી ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તે ધ્વજ વંદન કાર્યક્રમમાં દેશ-વિદેશની પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરીને ગૌરવપૂર્ણ ક્ષણના સહભાગી બનાવવામાં આવે છે. આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા માટે ભારતભરમાંથી ૧૦૦ યુવા લેખકોને આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. તે સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા માટે થરાદના યુવા લેખક અને હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં આર્ટ્સ કોલેજ, પાટણના ઈતિહાસ વિષયના વિભાગાધ્યક્ષ ડો. સંગીતાબેન બકોત્રાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.નો અભ્યાસ કરતા શ્રી પ્રકાશભાઈ સુથારને આમંત્રણ મળ્યું છે. 

         અત્રે ઉલ્લેખનીય છે કે, નાની ઉંમરે સાહિત્ય સર્જન દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરનાર યુવા લેખક પ્રકાશભાઈ સુથારની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રતિભાશાળી ૭૫ યુવા લેખકોમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી માત્ર બે લેખકો જ પસંદ પામ્યા હતા. 

         આ સિવાય, લેખકને ગત વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કલા સાહિત્ય રચના શિબિરમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું હતું. તેથી તે શિબિર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે સાહિત્ય સર્જન અંગે સંવાદ કર્યો હતો. લેખક પ્રકાશ સુથાર લિખિત સંઘર્ષના સાથી - જગતાભાઈ પટેલ પુસ્તકનું વિમોચન વર્ષ ૨૦૨૩ માં દિલ્હી ખાતે વિદેશમંત્રી રાજકુમાર, નોબેલ પ્રાઈઝ વિજેતા - ૨૦૨૨ ફ્રાંસનાં લેખિકા એની એનોકસના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. 

           આ વર્ષે ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બનવાનું આમંત્રણ મળતાં લેખકે પાટણ યુનિવર્સિટી અને વાવ- થરાદ વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું