બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને લોકોને મંત્રમુગ્ધ કરનાર ‘હી-મેન’ ધર્મેન્દ્રની યાદમાં 27 નવેમ્બરે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલ ખાતે રાખવામાં આવેલી પ્રાર્થના સભા ભાવુક પળોથી ભરપૂર રહી. આ પ્રસંગે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો, નિર્માતાઓ અને નજીકના મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધર્મેન્દ્રની લોકપ્રિયતા, સાદગી અને ફિલ્મી યોગદાન એટલા ઊંડા હતા કે દરેક વ્યક્તિ તેમના વિયોગથી દુઃખી દેખાતી હતી.
પ્રાર્થના સભા દરમિયાન દેઓલ પરિવારની લાગણીસભર પળો સૌનું ધ્યાન ખેંચીને ગઈ. મોટા પુત્ર સની દેઓલ અને નાના પુત્ર બોબી દેઓલ બંને પિતાને યાદ કરતાં ભાવુક થઈ ગયા હતા. બંનેએ ભીની આંખે ધર્મેન્દ્રને યાદ કરતાં કહ્યું કે પિતા માત્ર અભિનેતા નહીં પરંતુ જીવન જીવવાની પ્રેરણા હતા. દેઓલ પરિવારે આ પ્રાર્થના સભાને ‘Celebration of Life’ તરીકે નામ આપ્યું, જે ધર્મેન્દ્રના ઉલ્લાસમય, પ્રેમાળ અને હકારાત્મક જીવનદ્રષ્ટિ સાથે પૂરતું સુસંગત લાગતું હતું.
આ કાર્યક્રમમાં અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, શાહરુખ ખાન, સબાના આઝમી, જેટલીનને મંદાના, અનિલ કપૂર, સુભાષ ઘાઈ, જેકી શ્રૉફ સહિત અસંખ્ય સિતારાઓ ધર્મેન્દ્રને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા તાજ લેન્ડ્સએન્ડ પહોંચ્યા હતા. દરેકે તેમના વ્યક્તિત્વ, નમ્રતા અને સ્નેહસભર સ્વભાવની યાદો તાજી કરતાં તેમને દીલથી વિદાય આપી. ધર્મેન્દ્ર સાથે જોડાયેલી સ્મૃતિઓને યાદ કરતા ઘણા કલાકારોની આંખોમાં આંસુ દેખાયા હતા.
જો કે, આ પ્રાર્થના સભામાં હેમા માલિની અને તેમની પુત્રીઓ ઈશા-આહનાની ગેરહાજરી ચર્ચાનો કેન્દ્ર બની. સોશિયલ મીડિયામાં તેમની ગેરહાજરીને લઈને અનેક ચર્ચા-ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ. જોકે, દેઓલ પરિવારે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નહીં અને સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સન્માનપૂર્ણ માહોલમાં પૂર્ણ કર્યો.
ધર્મેન્દ્રનું ભારતીય સિનેમામાં યોગદાન અપરંપાર છે. ‘શોલે’થી લઈને ‘સત્યકામ’, ‘આંખે’, ‘ધરમ-વીર’ જેવી અઢળક ફિલ્મોથી તેઓએ બોલીવુડના સુવર્ણ યુગને ચમકાવ્યું હતું. તેમની એક્શન હીરોની છબી એટલી મજબૂત હતી કે તેમને ‘હી-મેન ઓફ બોલીવુડ’ તરીકે ઓળખ મળેલી. તેમના સંવાદ, તેમની સ્ટાઈલ અને તેમના સ્વભાવને દેશભરના દર્શકો આજ સુધી યાદ કરે છે.
તાજ લેન્ડ્સ એન્ડ ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભા માત્ર શોકસભા નહીં પરંતુ તેમની અદભૂત સફર, તેમના આનંદમય વ્યક્તિત્વ અને ફિલ્મ જગતમાં છોડી ગયેલા અમૂલ્ય વારસાને યાદ કરવાનો પ્રસંગ હતો. અનેક કલાકારોએ ભાવુક થઈને કહ્યું કે ધર્મેન્દ્ર ભલે શારીરિક રીતે વચ્ચે ન હોય, પરંતુ તેમના ફિલ્મો અને સ્મૃતિઓ હંમેશા દિલમાં જીવંત રહેશે.
બોલીવુડના ‘હી-મેન’ને મળેલી આ ભાવપૂર્ણ વિદાય તેમના પ્રભાવ, પ્રેમ અને લોકપ્રિયતાનું મોટું પ્રતિબિંબ છે. ધર્મેન્દ્રની યાદો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે અને હંમેશાં રહેશે.
