રાજકોટમાં શ્રી ૧૧ કુંડી મહાવિષ્ણુયાગ માંગલ્ય મહોત્સવની ભવ્ય શરૂઆત


રાજકોટ, ૩૦ ઓક્ટોબર ૨૦૨૫:

શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે ગુર્જર સુથાર સમસ્ત કરગથરા પરિવાર દ્વારા આયોજિત ચાર દિવસીય શ્રી ૧૧ કુંડી મહાવિષ્ણુયાગ માંગલ્ય મહોત્સવ નો ભવ્ય પ્રારંભ થયો. ધર્મ, ભક્તિ અને સંસ્કારના આ પવિત્ર મહોત્સવમાં સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

કારતક સુદ આઠમ, ગુરૂવાર, ૩૦-૧૦-૨૦૨૫ના રોજ બપોરે ૪ થી 5 દરમિયાન પ્રથમ દિવસની વિધિઓમાં હેરુશુદ્ધિ, ઘ્ષવિધિ સ્નાન, વિષ્ણુ પૂજન અને પ્રાયશ્ચિત વિધિનું શાસ્ત્રોક્ત આયોજન થયું. યજમાન પરિવાર અને સભાસદોએ શ્રદ્ધાપૂર્વક વિધિઓમાં ભાગ લીધો.

કારતક સુદ નોમ, શુક્રવાર, ૩૧-૧૦-૨૦૨૫એ સવારે ૮ થી ૧ તથા બપોરે ૩ થી ૬ દરમિયાન યજ્ઞવિધિઓનું આયોજન થયું. બપોરે ૩ વાગ્યે શ્રી વિશ્વકર્મા પ્રભુજી તથા શ્રી લક્ષ્મીનારાયણદેવની ભવ્ય શોભાયાત્રા વાજતે-ગાજતે પ્રસ્થાન પામી, કરગથરા પરિવારની દીકરીઓએ તેમાં શ્રદ્ધાભાવપૂર્વક ભાગ લીધો. સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાયો હતો.

કારતક સુદ દશમ, શનિવાર, ૦૧-૧૧-૨૦૨૫ના રોજ સવારે અને બપોરે બંને સત્રમાં યજ્ઞહવન તથા ધાર્મિક વિધિઓનું આયોજન થયું. વેદિક મંત્રોચ્ચાર સાથે થયેલી વિધિઓએ સમગ્ર વાતાવરણને પાવન બનાવી દીધું.

કારતક સુદ અગિયારસ, રવિવાર, ૦૨-૧૧-૨૦૨૫, દેવદિવાળી ના પવિત્ર દિવસે મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. સવારે ૮ થી ૧ તથા બપોરે ૩ થી ૫ દરમિયાન અંતિમ યજ્ઞવિધિઓ બાદ બપોરે ૪ વાગ્યે બિડું હોમવાનો કાર્યક્રમ યોજાશે. ઉપસ્થિત ભક્તજનો માટે આ પવિત્ર ક્ષણ શ્રદ્ધા અને ભક્તિનો અનોખો અનુભવ રહેશે.

આ ભવ્ય મહોત્સવના આયોજનથી સમગ્ર ગુર્જર સુથાર સમાજમાં ધાર્મિક ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. કરગથરા પરિવારના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ આ વિષ્ણુયાગ મહોત્સવમાં અનેક ભક્તો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ધર્મભાવના વ્યક્ત કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું