ફોલ્લાનાં ફૂલ (વાર્તા) / લેખક : નટવર આહલપરા, રાજકોટ


હું અતીતમાં ડૂબી ગયો હતો. પિતાના એ પ્રસંગે આજેય મારા રૂંવાડા ઊભા કરી દીધા હતા. સાંઠ વર્ષ પહેલાની હૈયું હચમચાવી દે તેવી ઘટના છે. અમાસનો દિવસ હતો. પિતા પુરૂષોત્તમ મજુરો, બેલદાર અને કડિયાના પગારની થેલી સાયકલના હેન્ડલ ઉપર ટીંગાડીને જતાં હતા. થોરાળી ડેમ ગામથી દૂર એટલે ખેતરના શેઢાની લગોલગ નાની કેડી ઉપરથી જવું પડતું હતું. ભગવાન, જાણે શું થયું ? બે લૂંટારૂએ તેમને પાડી દીધા. એકેતો કુહાડીનો ઘા પુરૂષોત્તમના જમણા પગ ઉપર ઝીંક્યો હતો. બીજો ઘા માથા ઉપર પડે તે પહેલા તેમણે પડકાર ફેંક્યો અને પગારની થેલી બે હાથમાં મક્કમતાથી પકડી રાખી હતી.

પિતા લોહી લુહાણ, લોહીથી લથબથ પડયાં હતા. ત્યાં તેમને જોઈ એક ગાડા ખેડું દોડયો. લૂંટારા ભાગ્યા હતા. ગાડા ખેડું પિતાને ઓળખતો હતો. ત્રણ મહિનામાં તો પિતા પાછા ઊભા થઇ ગયાં હતા. ત્યારે હું બાર વર્ષનો હતો. મારા ખભા ઉપર હાથ મૂકી પિતા ઘરના ફળિયામાં ચાલવાની કસરત કરતાં અને મને કહેતા કે, “જો ભાઈ, ગમે તેવા સંજોગોમાં હિંમત નહીં હારવાની પણ તેનો સામનો કરવો.” પિતાની આ શીખે આજે મને અનેકવાર બચાવ્યો છે. આ શીખ મારા સંતાનોમાં પણ મેં ઊતારી છે. હતો. પછી તો પિતાની સાયકલના કેરિયર પર તેમની પાછળ બેસી હું તેમની સાથે કામે જતો

હું વિશ્વકર્મા હેડીનો. પિતા સામે રંધો તાણેલો. ભાવનગર ચિત્રા પાસે પશ્ચિમ રેલવેના આવાસનું બાંધકામ ચાલતું હતું. પિતા પુરૂષોત્તમ મિસ્ત્રીકામ કરતાં હતા. એક દિવસ હું પણ પિતાની સાથે કામ કરવા ગયો હતો. ઉનાળાના દિવસો હતા. બળબળતા બપોરના બાર વાગવા આવ્યા હતા. સ્લેબ ભરવા માટે સેન્ટ્રીંગ કામ ચાલતું હતું. મેં સેન્ટ્રીંગની લોખંડની પ્લેટ ઉપાડી તો હાથમાં ઊગ્યા ફોલ્લાનાં ફૂલ !

પુરૂષાર્થી પિતાએ એ ક્ષણે મને ટકોર કરેલી. “ જો ભાઈ ભણજે નહીંતર આ દશા થશે !" પિતાના સોનેરી શબ્દો કાળજે કંડારાઈ ગયા. બધાથી અલગ કંઈક કરવું છે, બનવું છે. ચિત્રકામની એલિમેન્ટ્રી, ઇન્ટરમીડીયેટની પરીક્ષા પાસ કરી. ભાવનગર રોજગાર કચેરીમાં નોકરી માટે નોંધણી કરાવી અને જ્યાંથી ઇન્ટરવ્યુ લેટર આવે ત્યાં મંડયો દોડવા ! ઇન્ટરવ્યુ આપતો હતો ને ૧૯૮૦માં ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળના પેટા વિભાગમાં ભાવનગર ટ્રેસર તરીકેની સરકારી નોકરી મળી ગઈ હતી. પિતાની ટકોરનું ફળ મને મળ્યું હતું.

લેખક : નટવર આહલપરા, રાજકોટ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું