સાદગી અને સન્માન સાથે લગ્ન: રાજકોટના ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવારનું ‘આદર્શ લગ્ન’ અભિયાન

 SV News, રાજકોટ | 13 ઓક્ટોબર 2025

રાજકોટની ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર (GHP ગ્રુપ) નામની 18 વર્ષ જૂની સેવાભાવી સંસ્થાએ સમાજમાં લગ્નને ખર્ચાળ પ્રથાને બદલે સન્માનજનક અને સાદગીપૂર્ણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે “આદર્શ લગ્ન” અભિયાનની અનોખી પહેલ શરૂ કરી છે. આ અભિયાન ગુર્જર સુતાર સમાજના દીકરા-દીકરીઓને ખર્ચમુક્ત અને ગૌરવપૂર્ણ લગ્ન જીવનની શરૂઆત કરાવશે.

સાદગીપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ

આ કાર્યક્રમ હેઠળ, લગ્નવિધિમાં બંને પરિવારોના માત્ર 25-25 સભ્યોની મર્યાદિત હાજરીમાં બ્રાહ્મણ દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને સન્માનપૂર્વક લગ્ન સંપન્ન કરાવવામાં આવશે. સૌથી નોંધનીય બાબત એ છે કે, સંસ્થા દ્વારા જમણવાર, ચા-પાણી, બ્રાહ્મણની દક્ષિણા અને વિધિ સહિતનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે, જેથી પરિવારો પર કોઈ આર્થિક બોજ ન પડે. લગ્ન પ્રસંગે દીકરીઓને દાતાશ્રીઓ દ્વારા નિર્ધારિત કરિયાવર પણ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.

સરકારી પ્રક્રિયા અને અન્ય સુવિધાઓ નિઃશુલ્ક

GHP ગ્રુપ આદર્શ લગ્નમાં જોડાતા યુગલો માટે સરકારી સહાય મેળવવાની તેમજ મેરેજ સર્ટિફિકેટ સંબંધિત તમામ કાયદેસરની કાર્યવાહી પણ નિઃશુલ્ક પૂરી પાડશે. આ સાથે, લગ્નની યાદોને કાયમી સાચવવા માટે ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

દાતાઓ માટે સહયોગનું આહ્વાન

સંસ્થાએ આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા માટે દાતાશ્રીઓને આહ્વાન કર્યું છે. દાતાશ્રીઓ એક લગ્નના જમણવાર માટે ₹5,500, કરિયાવર માટે ₹51,000 અથવા સંપૂર્ણ એક લગ્નનો ખર્ચ ઉઠાવવા માટે ₹65,000નું દાન આપી શકે છે. દાન આપનાર દાતાશ્રીઓના નામ લગ્નની પત્રિકામાં જાહેર કરવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે.

આ આદર્શ લગ્નોનું આયોજન ગુર્જર સુતાર પ્રગતિ મંડળના AC હોલ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે થવાનું છે. આ પહેલને વિશ્વકર્મા વિદ્યાનિકેતન ટ્રસ્ટ, ગુર્જર સુતાર કન્યા છાત્રાલય, ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ, નારી શક્તિ ગ્રુપ જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ કાર્યક્રમના આયોજકોમાં યોગીનભાઈ છનિયારા, અરવિંદભાઈ ગજ્જર અને GHP ગ્રુપના કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. સંસ્થાએ “દીકરી એટલે પ્રિતનું પાનેતરું”ના હૃદયસ્પર્શી સંદેશ સાથે સમાજને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો છે. 

(રિપોર્ટ : હિરેનભાઈ કલોલીયા, રાજકોટ)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું