કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત ફિલ્મ વશ સિને જગતમાં એક નવો જ પ્રયોગ હતો. આ સફળ પ્રયોગ બાદ હૈયું હચમચાવી નાખનાર અલૌકિક હોરર થ્રિલર...
વશ લેવલ ૨
અદ્ભૂત... અપ્રતિમ...
બૉલીવુડ, ઢોલિવુડ,'ને હોલીવુડની અત્યાર સુધીની જોયેલી તમામ ફિલ્મોથી હટકે. એક નવો જ વિષય, પ્રેક્ષક તરીકે એક નવો જ અનુભવ. એકમાત્ર એવી ફિલ્મ જે જોયા પછી કોઈ જ આડી અવળી ચર્ચા કરવાનું મન ન થાય. મનમાં એક જ વિચાર આવ્યાં કરે શું પ્રતાપ અને રાજનાથ જેવા લોકો આજે પણ દુનિયામાં હશે ? શું વશીકરણ આટલી હદે ખતરનાક નિવડતું હશે ? વિચારતા જ કાળજું કંપી ઉઠે !
વાત કરીએ ફિલ્મની તો શરૂઆત એકદમ હટકે...શરૂઆતથી જ પ્રેક્ષકોને જકડી રાખે...what come next..? ની રાહ રહે...
ફિલ્મ શરૂઆતથી જ ફટ ફટ શરૂ થાય છે.
પ્રતાપ ( હિતેનકુમાર ) 12 વર્ષથી અથર્વ ( હિતુ કનોડિયા )ની કેદમાં હોય છે. વશ લેવલ 2 માં પ્રતાપનો નાનો ભાઈ રાજનાથ ( હિતેનકુમાર ) જે પોતાનાં ભાઈની શોધમાં એક વિકરાળ શૈતાન, રાક્ષસનું બિહામણું રૂપ લઈને આવે છે. છોકરીઓ પર રાજનાથ( હિતેન કુમાર )નું વશીકરણ ખૂબ કારગત નીવડે છે. વશીકરણની અસર બાદ એક પછી એક છોકરીઓનું શાળાની છત પરથી કુદવું. આ દ્રશ્ય ભયાનકતાની ચરમસીમાએ છે. આવા સમયે શાળાનાં પ્રિન્સિપાલ ( મોનલ ગજ્જર )જેની આંખ સામે એક પછી એક છોકરીઓ છત પરથી કૂદીને મૃત્યુ પામે છે. પણ ના તો એ કશું સમજી શકે છે, ના તો કશું કરી શકે છે તેની એ લાચારી..'ને બાળકીઓ તથા તેમનાં માતા પિતાનો આક્રંદ...અદભૂત અભિનય. ત્યારબાદ કોઈ જ આડી અવળી વાતો નહીં, કોમેડી નહીં, બિનજરૂરી દિશા ભટકાવવાની કોઈ વાત નહીં. સીધું જ વાર્તાનાં વિષય પર પ્રતાપની શોધમાં આ ફિલ્મ આગળ વધે છે. ફિલ્મ સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝીક ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાવે છે. જોરદાર સાઉન્ડ વર્ક. સ્કૂલ ગર્લનો અભિનય અદ્ભૂત ! આપણને લાગે જ નહીં કે આપણે કોઈ સિનેમા જોઈ રહ્યા છીએ, એમ થાય કે બધું આપણી આંખ સામે જ થઈ રહ્યું છે.
હિતેનકુમાર તેમજ હિતુ કનોડિયાનો અભિનય લાજવાબ. વર્ષોથી જેમને એક ઢાંચાના પાત્રોમાં જોયા છે, આવા કલાકારો આવી અલગ પ્રકારની અલગ ભૂમિકાઓ પણ બખૂબી નિભાવી જાણે છે. ખૂબ ગમ્યું. આ મારું બારીકાઈથી કરેલું નિરીક્ષણ છે.
હિતુ કનોડિયાં જે ખૂબ જ ગંભીર અને પરિપક્વ ભૂમિકામાં જોવા મળે છે. જાનકી બોડીવાલાનાં અભિનયની તો વાત જ શું કરવી ? લાજવાબ !
હિતેનકુમાર વિશે ખાસ જણાવીશ જેઓ આ પ્રકારની ભૂમિકામાં પણ દિશા ભટક્યા નથી. એકદમ અસલ અભિનય જેમાં પૂરેપૂરી શુદ્ધતા તેમજ અભિનય પ્રત્યેનું એમનું સમર્પણ દેખાઈ રહ્યું છે. ડર, ફફડાટ, 'ને કંપારી છૂટી જાય તેવો બિરદાવવા લાયક અભિનય. ક્લાઈમેક્સ ( અંત ) સુધી આ ફિલ્મ આપણને જકડી રાખે છે. રાજનાથનો ડાયલોગ
"અત્ર તત્ર સર્વત્ર હું જ છું."
એકદમ ભયાનક અવાજમાં જ્યારે આ ડાયલોગ આવે ત્યારે થોડીવાર કંપારી છૂટી જાય છે. પ્રતાપ હોય કે રાજનાથ મારા મતાનુસાર હિતેનકુમાર સિવાય કોઈ બીજા અભિનેતા આ ભૂમિકાને યોગ્ય ન્યાય ન આપી શક્યા હોત ! દરેકના અભિનયને બિરદાઉ છું. કૃષ્ણદેવ યાજ્ઞિકને આવા નવા જ વિષય સાથે ગુજરાતી સિને જગતને આસમાન સર કરાવવા માટે સવિશેષ બિરદાઉ છું.
ખેર, વશ લેવલ ૨ એટલે ડર 'ને ફફડાટનો અનુભવ કરાવતી અદભુત હોરર થ્રિલર ફિલ્મ. તમે સિને જગતમાં તદ્દન નવો જ વિષય, નવો પ્રયોગ જોવા માંગતા હોય, એ પણ આપણી ગુજરાતી ભાષામાં 'ને એમાં પણ આપણાં લોકલાડીલા કલાકારો હિતેનકુમાર ,હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, 'ને મોનલ ગજ્જર હોય પછી તો પૂછવું જ શું ? આજે જ આ ડરાવતી, કંપાવતી, રોમાંચિત કરતી ફિલ્મ વશ લેવલ 2 અચૂક નિહાળો. આપ પણ એક્ટરોની એક્ટિંગમાં વશ થઈ જ જશો. ગેરેન્ટી.
રિપોર્ટ : જીગર કવૈયા
-----
Ads