અમદાવાદ: મૂળ પાટડીના અને હાલ અમદાવાદમાં રહેતા ધ્રુવ નરેન્દ્રભાઈ પંચાલે અવકાશ વિજ્ઞાન અને હૃદય વિજ્ઞાનને જોડીને એક અનોખું સંશોધન રજૂ કર્યું છે, જેને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. તેમના નેતૃત્વ હેઠળની ટીમને American Heart Association (AHA) દ્વારા 'Paul Dudley White International Scholar Award 2025' થી સન્માનિત કરવામાં આવી છે. આ સંશોધનનો વિષય છે, "બ્લોકેજ ના હોય તો પણ 'અવકાશ યાત્રા' દરમ્યાન હાર્ટઍટેક આવી શકે છે."
આ સંશોધનમાં, ધ્રુવ પંચાલની ટીમે પૂર્વ ISRO રૉકેટ વૈજ્ઞાનિક ડૉ. વી.આર. સનલ કુમારના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. આ સંશોધન માત્ર અવકાશ યાત્રા માટે જ નહીં, પરંતુ દરિયામાં ડાઇવિંગ અને હૃદયની સર્જરી જેવી પરિસ્થિતિઓમાં પણ હૃદય રોગના જોખમને સમજવામાં મદદરૂપ થશે. આ સિદ્ધિ ભારત દેશ માટે અને ખાસ કરીને લુહાર સમાજ માટે ગૌરવની વાત છે.
સફળતાનો શ્રેય ટીમના સાથીઓને
એવોર્ડ મળ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં ધ્રુવ પંચાલે જણાવ્યું કે આ એવોર્ડ તેમની ટીમના દરેક સભ્યની મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું, "આ સફળતા માત્ર અમારી નથી, પરંતુ દેશના યુવા સંશોધકો માટે એક પ્રેરણા છે કે તેઓ પણ વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કરી શકે. હવે સમય આવી ગયો છે કે આપણે 'મેક ઇન ઇન્ડિયા' થી આગળ વધીને 'ઇનોવેટિવ ઇન્ડિયા' તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ."
એક સિદ્ધિ પાછળની મહેનત
ધ્રુવ પંચાલ (ઉંમર ૨૬) ના પિતા શ્રી નરેન્દ્રભાઈ નટવરલાલ પંચાલ ઇલેક્ટ્રિક વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા છે, જ્યારે માતા ફાલ્ગુનીબેન ગૃહિણી છે. ધ્રુવે સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી B.Tech (એરોનોટિકલ એન્જિનિયરિંગ) નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે ઉત્તર પ્રદેશની એમિટી યુનિવર્સિટીમાંથી M.Tech ની ડિગ્રી મેળવી અને હાલ ત્યાં જ PhD સંશોધક તરીકે કાર્યરત છે. તેઓ Vyadh Aerospace Pvt. Ltd. ના સ્થાપક પણ છે.
આ અદ્ભુત સિદ્ધિ બદલ ધ્રુવ પંચાલને ખૂબ ખૂબ અભિનંદન! તેમનું કાર્ય ભવિષ્યના સંશોધકો માટે એક દીવાદાંડી સમાન બની રહેશે.
રિપોર્ટ : અશોકભાઈ પીઠવા
--------
Ads.