રાજકોટ, 31 ઓગસ્ટ, 2025
64 લાખની વસ્તી ધરાવતા વિશ્વકર્મા સમાજ માટે નિગમ બનાવવાની માંગ, ભાજપના જ 7 સાંસદો અને 20 ધારાસભ્યોએ લખ્યો પત્ર, છતાં સરકાર મૌન.
ગુજરાતમાં અંદાજે 64 લાખની વસ્તી ધરાવતા વિશ્વકર્મા સમાજ માટે નિગમ બનાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ રાજ્યની ભાજપ સરકાર આ મામલે મૌન સેવી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ માંગને ખુદ ભાજપના જ 7 સાંસદો અને 20 ધારાસભ્યોએ પત્ર લખીને સમર્થન આપ્યું છે, છતાં સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
આ મુદ્દે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા, સોની સમાજ, રાજકોટના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ લોઢીયા અને પ્રાઈડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા, અમદાવાદના પ્રમુખ ધનજીભાઈ પંચાલે જણાવ્યું હતું કે, "અમારી વર્ષોથી એ માગણી છે કે વિશ્વકર્મા નિગમ, વિશ્વકર્મા કોર્પોરેશન, માર્કેટ યાર્ડ, માર્કેટ હબ તેમજ વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી બનવી જોઈએ."
વિશ્વકર્મા સમાજની મુખ્ય માંગણીઓ
વિશ્વકર્મા સમાજમાં લુહાર, પંચાલ, કડિયા, સથવારા, સોની, મેવાડા, ગજ્જર, પંચોલી, શિલ્પકાર જેવી અનેક જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ સમાજની વસ્તી ગુજરાતમાં અંદાજે 15% જેટલી છે. તેમની મુખ્ય માંગણીઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
* વિશ્વકર્મા નિગમ: સમાજના ઉત્કર્ષ, રોજગારી, સ્કિલ ડેવલપમેન્ટ અને વેપાર-ધંધાના વિકાસ માટે વિશ્વકર્મા નિગમ બનાવવું.
* માર્કેટ યાર્ડ (હબ): સમાજના કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે વિશેષ માર્કેટ યાર્ડની સ્થાપના.
* વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી: કારીગરી સંબંધિત કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની રચના.
* વિશ્વકર્મા કો-ઓપરેટિવ બેંક: સમાજના સભ્યોને આર્થિક સહાય પૂરી પાડવા માટે બેંકની સ્થાપના.
સરકારની ઉદાસીનતા પર સવાલ
અગાઉ પણ આ માંગણીઓ માટે અનેક સંસ્થાઓ દ્વારા રજૂઆતો, ભૂખ હડતાળ અને આંદોલનો કરવામાં આવ્યા છે. 30 ડિસેમ્બર, 2024ના રોજ મુખ્યમંત્રી અને મંત્રી જગદીશ વિશ્વકર્માને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ધનજીભાઈ પંચાલે જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ મુદ્દે ભાજપના મોટા હોદ્દેદારો ધરણાં પર બેઠેલા હતા. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ જો સરકાર બનશે તો નિગમ બનાવી આપવાનું વચન આપ્યું હતું. તેમ છતાં, આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
રાજુભાઈ લોઢીયાએ કહ્યું કે, "જ્યારે ભાજપના જ ધારાસભ્યો અને સાંસદ સભ્યોની ભલામણ છે, તોપણ કયા કારણોસર ફાઇલ અટકી છે તેનો જવાબ હજુ સુધી નથી મળ્યો. અમારો સમાજ શાંતિપ્રિય છે અને ધમાલ કરવામાં માનતો નથી."
બીજી તરફ, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓનો લાભ વિશ્વકર્મા સમાજને આપવામાં આવી જ રહ્યો છે. જોકે, આ સ્પષ્ટતાથી સમાજના આગેવાનો સંતુષ્ટ નથી.
ધનજીભાઈ પંચાલે ઉમેર્યું કે, "અમારી જ્ઞાતિ છિન્ન-ભિન્ન થયેલી છે અને અલગ જગ્યાઓમાંથી તૂટક-તૂટક અવાજ આવે છે. તેથી અમારો અવાજ ગાંધીનગર કે દિલ્હી સુધી પહોંચી શકતો નથી." આ મુદ્દો દર્શાવે છે કે સરકાર પોતાના જ પક્ષના નેતાઓની ભલામણોને પણ ગંભીરતાથી નથી લઈ રહી. ગુજરાતમાં અર્જુન મોઢવાડિયા જેવા ધારાસભ્યો સહિત વિવિધ શહેરોમાં આવેલી 80 જેટલી સંસ્થાઓએ પણ આ માગનું સમર્થન કર્યું છે.
આ સંજોગોમાં, સવાલ એ થાય છે કે શું ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ પક્ષના સાંસદો અને ધારાસભ્યોની માગણીઓ પર ધ્યાન આપશે કે પછી આ ફાઇલ પણ અભરાઈ પર જ ચડાવી દેશે?
રિપોર્ટ : રાજુભાઈ લોઢીયા ગુજરાત પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા સોની સમાજ, રાજકોટ
-------
Ads