આદિપુર-કચ્છ: સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માના આદિપુર સ્થિત મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ પવિત્ર મંદિરનો જીર્ણોદ્ધાર મહોત્સવ કારતક સુદ ત્રીજ, ચોથ અને પાંચમ, એટલે કે 24, 25 અને 26 ઓક્ટોબર, 2025 દરમિયાન યોજાશે.
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ-કચ્છ દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક પૂજા અને ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિજનોને આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ધર્મ સેવાનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન, 24 ઓક્ટોબર, 2025 ના રોજ ચડાવા દ્વારા કેટલાક વિશેષ યજમાન નક્કી કરવામાં આવશે. જેમાં પ્રથમ મૂર્તિ પૂજા, પ્રથમ આરતી, પ્રથમ ધજા, પ્રથમ દર્શન, પ્રથમ શણગાર, પ્રથમ ભોગ અને કળશ પૂજાના યજમાન બનવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે.
આદિપુરના ટાગોર રોડ પર, ન્યુ એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, કપિલમુનિ આશ્રમની બાજુમાં આવેલ “શ્રી વિશ્વકર્મા ભવન” ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.