શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળનો 25મો કેળવણી પ્રોત્સાહન સમારોહ: સમાજની મહિલા શક્તિનું સન્માન થશે


આણંદ, તા.૨૪,૮,૨૦૨૫ – શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, વલ્લભ વિદ્યાનગર, દ્વારા આગામી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫, રવિવારના રોજ આણંદ ખાતે ૨૫મો કેળવણી પ્રોત્સાહન સમારોહ યોજાશે. આ વર્ષે 'સિલ્વર જ્યુબિલી' એટલે કે ૨૫ વર્ષ પૂર્ણ થવાની અનોખી ઉજવણી થઈ રહી છે, જેમાં સમાજની શિક્ષિત મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ સમારોહનું સંપૂર્ણ સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે.

લાયન્સ હોલ, નવા બસ સ્ટેન્ડ સામે, તળાવ પાસે, આણંદ ખાતે સાંજે ૩:૩૦ કલાકે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર અને ઉચ્ચ શિક્ષણ મેળવનાર મહિલાઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મહેમાનોમાં પ્રોફેસર ડૉ. પ્રણાલીબેન નાયકપુરા (વડોદરા), પ્રોફેસર ડૉ. દ્રષ્ટીબેન સુથાર (કરમસદ), પ્રોફેસર ડૉ. મુકશીતાબેન ધ્રાંગધરીયા (અમદાવાદ), પ્રોફેસર શિતલબેન પંચાસરા (વિદ્યાનગર), પ્રિન્સીપાલ દુર્વાબેન પંચાસરા (વિદ્યાનગર) અને પ્રોફેસર માર્ગીબેન ખોરદીયા (ધર્મજ) જેવા પ્રતિષ્ઠિત નામોનો સમાવેશ થાય છે.

મંડળની કારોબારી સમિતિએ આ સમારોહને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે. કમિટીના જણાવ્યા મુજબ, આ પ્રસંગે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત પ્રવચન, ઈનામ વિતરણ, આભારવિધિ અને રાષ્ટ્રગીત સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણ પણ કરવામાં આવશે, જેના મુખ્ય દાતાશ્રીઓ સ્વ. કરશનભાઈ ડાહ્યાભાઈ સોંડાગર (પરિવાર: શ્રી વિજયભાઈ અને શ્રી નરેન્દ્રભાઈ સોંડાગર) અને સ્વ. ભગવાનજીભાઈ માનજીભાઈ પાણશીણીયા પરિવાર છે.

શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળના પ્રમુખ સુરેશભાઈ છત્રાલીયા, ઉપ પ્રમુખ પ્રકાશચંદ્ર ધોળકિયા, મંત્રી કિરીટભાઈ ધોળકિયા, સહમંત્રી જતીનભાઈ જોલાપરા, ખજાનચી સૂર્યકાન્તભાઈ સચાણીયા અને કારોબારી સભ્યશ્રીઓ સહિત સમગ્ર કમિટી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય છે.

સમારોહના અંતે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમારોહ સમાજમાં શિક્ષણના મહત્ત્વને વધુ ઉજાગર કરશે અને મહિલા સશક્તિકરણને વેગ આપશે.

(માહિતી : નવનીત ભાઈ પાટણવાડિયા તરફ થી)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું