અમદાવાદ: તા.૨૬,૦૬,૨૦૨૫ રેલવે બાદ હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પણ ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ST નિગમે માસિક અને ત્રિમાસિક પાસના ભાડાના નિયમોમાં સુધારો કરતા મુસાફરો પર વધારાનો બોજ પડશે. આ નિર્ણયથી નિયમિત મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર સીધી અસર થશે.
ST નિગમ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, અત્યાર સુધી જે 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી માટેનો માસિક પાસ મળતો હતો, તેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. હવે મુસાફરોએ 18 દિવસનું ભાડું ચૂકવીને 30 દિવસની મુસાફરીનો પાસ મેળવી શકશે. આનો સીધો અર્થ એ થાય કે માસિક પાસ માટે મુસાફરોએ પહેલા કરતા વધુ રૂપિયા ચૂકવવા પડશે.
આ ઉપરાંત, ત્રિમાસિક પાસના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જે 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરી માટેનો પાસ ઉપલબ્ધ હતો, તેના બદલે હવે મુસાફરોએ 36 દિવસનું ભાડું ચૂકવીને 60 દિવસની મુસાફરીનો પાસ મેળવી શકશે. જોકે, 90 દિવસની મુસાફરીનો સમયગાળો ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે, જે મુસાફરો માટે એક મોટો ફટકો છે.
સરકાર દ્વારા આ ભાડા વધારા પાછળના કારણો સ્પષ્ટ કરવામાં આવ્યા નથી, પરંતુ અંદાજ છે કે ડીઝલના ભાવમાં વધારો અને સંચાલન ખર્ચમાં થયેલો વધારો આ નિર્ણય પાછળ જવાબદાર હોઈ શકે છે. આ નિર્ણયથી ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને માઠી અસર થશે, જેઓ નિયમિતપણે ST બસનો ઉપયોગ કરે છે.
આ ભાડા વધારા અંગે મુસાફરોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો આ નિર્ણયને અન્યાયી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો મોંઘવારીના કારણે આને અનિવાર્ય ગણી રહ્યા છે.