અંબાજી: આદ્યશક્તિ મા અંબાના ભાદરવી પૂનમ મહામેળાની ભક્તિભાવથી છલકાતી ઉજવણી વચ્ચે રાજકોટનો એક પરંપરાગત પદયાત્રા સંઘ 13 દિવસમાં આશરે 400 કિલોમીટરની કઠિન યાત્રા પૂર્ણ કરીને અંબાજી પહોંચી ગયો છે. છેલ્લા 24 વર્ષથી આ પદયાત્રાનો અવિરત સંકલ્પ યથાવત્ છે, અને આ વર્ષે પણ વરસાદી પરિસ્થિતિ વચ્ચે યાત્રીઓની આસ્થા અડગ રહી.
ભક્તોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને ચાચર ચોકમાં ઉત્સાહપૂર્વક ગરબા અને તલવારબાજીની ભવ્ય રજૂઆત કરી. માતાજીના ચરણોમાં શીશ નમાવતાં આ દ્રશ્યો ભક્તિ અને પરંપરાનો અનોખો મેળાપ સાબિત થયા. તલવારબાજીના કાર્યક્રમ દરમિયાન યુવાઓએ શૌર્ય સાથે સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું, જ્યારે ગરબા રાસે આખા મેદાનમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું.
આ પ્રસંગે હાજર ભક્તોએ જણાવ્યું કે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો માત્ર ધાર્મિક નથી, પરંતુ સામૂહિક એકતાનું પ્રતિક પણ છે. માતાજીના આશીર્વાદ માટે હજારો ભક્તો દૂર દૂરથી અંબાજી પધારે છે અને પરંપરાગત વિધિઓ દ્વારા માતાની આરાધના કરે છે.