અમદાવાદ: ક્રિકેટની રમત એટલે ચોકસાઈ અને શિસ્તનો સમન્વય. બેટ્સમેન અને બોલર વચ્ચેની ટક્કર ક્રિકેટને રોમાંચક બનાવે છે. આ રમતમાં બેટ્સમેન જો સદી ફટકારે કે બોલર હેટ્રિક લે, તો તેની ચર્ચા થાય છે. પરંતુ, કેટલીક એવી સિદ્ધિઓ પણ હોય છે જેની ચર્ચા ઓછી થાય છે, છતાં તે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થઈ જાય છે. આવી જ એક સિદ્ધિ એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં એક પણ 'નો બોલ' ન ફેંકવો.
સામાન્ય રીતે, ક્રિકેટમાં બોલર દ્વારા 'નો બોલ' ફેંકવો એ સામાન્ય બાબત છે. ઘણીવાર દબાણ, પગલાંની ગણતરીમાં ભૂલ કે ઓવર થ્રોના કારણે 'નો બોલ' ફેંકાય છે. પરંતુ, ક્રિકેટના ઇતિહાસમાં પાંચ એવા દિગ્ગજ બોલરો છે જેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ક્યારેય એક પણ 'નો બોલ' ફેંક્યો નથી. આ બોલરોએ તેમની શિસ્તબદ્ધ બોલિંગથી દર્શાવ્યું કે સખત મહેનત અને નિયમિતતાથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
આ યાદીમાં સામેલ દિગ્ગજ બોલરો નીચે મુજબ છે:
૧. કપિલ દેવ (ભારત)
ભારતને ૧૯૮૩માં પ્રથમ વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનું નામ આ યાદીમાં ગર્વ સાથે લેવામાં આવે છે. તેમણે તેમની આખી કારકિર્દીમાં ક્યારેય નો બોલ ફેંક્યો નથી. કપિલ દેવે ૧૩૧ ટેસ્ટ અને ૨૨૫ વન-ડે મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમની બોલિંગ, બેટિંગ અને કેપ્ટનશીપે ક્રિકેટ જગતમાં એક અલગ જ છાપ છોડી છે.
૨. ઇયાન બોથમ (ઇંગ્લેન્ડ)
ઇંગ્લેન્ડના સૌથી મહાન ઓલરાઉન્ડર્સમાંના એક ઇયાન બોથમ પણ આ યાદીમાં સામેલ છે. પોતાની આક્રમક બોલિંગ અને બેટિંગ માટે જાણીતા બોથમે તેમના શિસ્તબદ્ધ બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં એક પણ નો બોલ નથી.
૩. ડેનિસ લિલી (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર ડેનિસ લિલીનું નામ ક્રિકેટના ઇતિહાસના સૌથી ભયાનક બોલરોમાં ગણાય છે. તેમનો રન-અપ અને આક્રમક બોલિંગ શૈલી બેટ્સમેનોમાં ડર પેદા કરતી હતી. તેમ છતાં, તેમણે પણ તેમની સમગ્ર કારકિર્દીમાં ક્યારેય નો બોલ નથી ફેંક્યો.
૪. લાન્સ ગિબ્સ (વેસ્ટ ઇન્ડીઝ)
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ સ્પિનર લાન્સ ગિબ્સ આ યાદીમાં સામેલ છે. તેમના કંટ્રોલ અને ચોકસાઈ માટે ગિબ્સ જાણીતા હતા. ક્રિકેટમાં એક સ્પિનર માટે 'નો બોલ' ન ફેંકવો એ એક મોટી સિદ્ધિ છે, જે ગિબ્સે હાંસલ કરી હતી.
૫. ઇમરાન ખાન (પાકિસ્તાન)
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર ઇમરાન ખાન પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. જેમણે ૧૯૯૨માં પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેમની બોલિંગમાં ગતિ, સ્વિંગ અને સચોટતાનો અનોખો સમન્વય હતો. તેમણે પણ તેમની કારકિર્દીમાં ક્યારેય નો બોલ ફેંક્યો નથી.
આ પાંચેય બોલરોએ પોતાની બોલિંગ શૈલી અને રમતમાં શિસ્તનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સિદ્ધિ ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બની રહેશે, જે આવનારી પેઢીના બોલરોને પ્રેરણા આપતો રહેશે.