રાજકોટને મળ્યા નવા એસપી: વિજયસિંહ ગુર્જર, એક ખેડૂત પુત્રથી IPS બનવા સુધીની સફર


રાજકોટ, તા.૨૨,૦૮,૨૦૨૫ - રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા આઈપીએસ અધિકારીઓના બદલીના આદેશો અનુસાર, રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની બદલી અમદાવાદ આર્થિક ગુના નિવારણ સેલમાં થઈ છે. તેમના સ્થાને હવે સુરત ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરને રાજકોટના નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે, વિજયસિંહ ગુર્જરે રાજકોટ જિલ્લાના 35મા એસપી તરીકેનો પદભાર સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ખેડૂત પુત્રથી IPS બનવા સુધીની પ્રેરણાદાયક સફર

મૂળ રાજસ્થાનના ઝુઝુનુના વતની વિજયસિંહ ગુર્જર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું સ્વપ્ન તેમને શિક્ષક બનાવવાનું હતું. આથી, તેમણે સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું, પરંતુ રાજસ્થાનમાં શિક્ષક, આર્મી અને પોલીસ ભરતીની પરીક્ષાઓમાં તેમને સફળતા ન મળી.

નિરાશ થયા વિના, તેમણે દિલ્હી પોલીસમાં જોડાવા માટે તૈયારી શરૂ કરી અને 2010માં પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા. જોકે, તેમની મહેનત અહીં અટકી નહિ. તેમણે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખી અને 2012માં કેરળ ખાતે સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ વિભાગમાં જોડાયા. આ પછી, 2014માં ફરીથી SSCની પરીક્ષા પાસ કરીને તેઓ કેન્દ્રના આવકવેરા વિભાગમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા.

રોજ છ કલાકનો અભ્યાસ અને UPSCમાં સફળતા

ઇન્કમટેક્સ વિભાગમાં ફરજ બજાવતી વખતે પણ તેમણે પોતાનું લક્ષ્ય ઊંચું રાખ્યું. દરરોજ છ કલાકનો અભ્યાસ કરીને તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારી શરૂ કરી. તેમની અથાક મહેનતનું પરિણામ 2017માં આવ્યું, જ્યારે તેઓ 574ના રેન્ક સાથે UPSCની પરીક્ષામાં પાસ થયા અને IPS બન્યા.

પોલીસ કોન્સ્ટેબલથી લઈને IPS બનવા સુધીની તેમની આ સફર અનેક પડકારોથી ભરેલી રહી છે. IPS બન્યા બાદ પ્રોબેશન પીરિયડમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવ્યા બાદ તેઓ સુરત ઝોન-4ના ડીસીપી તરીકે સેવા આપી રહ્યા હતા. હવે, તેમને રાજકોટના એસપી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સુરતથી રાજકોટ પહોંચતા, ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું