દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું..!!


ગુજરાત: બંગાળના સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ ને કારણે મહારાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સુરત સહિત આસપાસના વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

પાંચ દિવસની આગાહી:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત જિલ્લાનું હવામાન મોટાભાગે વાદળછાયું રહેશે અને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન ૨૮ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ થી ૨૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. સાપેક્ષ ભેજનું પ્રમાણ ૮૫ થી ૯૦ ટકા સુધી રહી શકે છે. આ સાથે જ, ૮ થી ૨૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે.

સંભવિત અસરો અને સાવચેતી:

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થવાની અને ગટર વ્યવસ્થા ઓવરફ્લો થવાની શક્યતા છે. જૂના અને નબળા બાંધકામવાળા મકાનોને નુકસાન થવાની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. પવનની ગતિ વધુ હોવાથી વૃક્ષો, ડાળીઓ અને જાહેરાતના બેનરો પડવાની પણ શક્યતા છે.

ખેડૂતો અને પશુપાલકો માટે સલાહ:

આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના હોવાથી ખેડૂતો અને પશુપાલકોને ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે. પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને નાના પ્રાણીઓને આશ્રય આપવા જણાવ્યું છે. પૂર અને જમીન ધોવાણની શક્યતાવાળા વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચી ભરતી અને તોફાની પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

આ આગાહી ડો. હરિનંદન સોડવડીયા (રીસર્ચ એસોસીએટ) અને ધવલ કમાણી (હવામાન નિરીક્ષક), પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું