મૂળભૂત રીતે મહારાષ્ટ્રનો આ ઉત્સવ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પહોંચી ગયો છે. ગામડે-ગામડે મોટા પંડાલ સજાવવામાં આવે છે, અને ભક્તો ઉત્સાહભેર બાપાનું સ્વાગત કરે છે. આ ઉત્સવ દરમિયાન ઘણા મંડળો સેવાકીય કાર્યો પણ કરે છે, જે સમાજમાં સકારાત્મકતા ફેલાવે છે. પરંતુ, દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ ઉત્સવની પણ એક નકારાત્મક બાજુ છે જેના પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી, ગણેશ ઉત્સવમાં શ્રદ્ધા કરતાં દેખાડો વધુ જોવા મળી રહ્યો છે. બાપાની પધરામણીથી લઈને વિસર્જન સુધી લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. વિશાળ પ્રતિમાઓ, ઝગમગતી રોશની અને ડીજેના અવાજે વાતાવરણ ગુંજી ઉઠે છે. ખરું પૂછો તો, આત્મા એ જ પરમાત્મા છે. જો મનથી, સાચા દિલથી બાપાને યાદ કરીએ તો તેઓ આપણી ભાવના સમજે જ છે. આ બાહ્ય દેખાડાની કોઈ જરૂર નથી.
આ બધામાં સૌથી મોટી ચિંતાનો વિષય છે વિસર્જન. ચાર કે પાંચ દિવસની રંગેચંગે ઉજવણી બાદ જ્યારે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવે છે, ત્યારે નદીઓ, સરોવરો અને સમુદ્રનું શું થાય છે તે કોઈ વિચારતું નથી. વિસર્જન પછી જો તમે ક્યારેક નદી કે સરોવર કિનારે જશો તો તમને ખ્યાલ આવશે કે બાપાની કેવી દુર્દશા થાય છે. પર્યાવરણને કેટલું નુકસાન થાય છે! પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) અને કેમિકલ રંગોથી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી, પરંતુ પાણીને પ્રદૂષિત કરે છે, જળચર જીવો માટે જોખમ ઊભું કરે છે અને કુદરતી સૌંદર્યને પણ ખંડિત કરે છે.
આજે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'નો સંદેશ વારંવાર આપે છે, ત્યારે આપણે આ સંદેશને આપણા જીવનમાં ઉતારીને સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ છીએ. પ્રભુની પૂજા એ જ છે, જે આપણને પર્યાવરણનું જતન કરતા શીખવે. ગણેશ ઉત્સવ ઉજવીએ, આનંદ-ઉમંગ અને ઉલ્લાસથી ઉજવીએ, પણ સાથે સાથે પર્યાવરણનું ધ્યાન રાખીએ.
આપણા ઘરે નાની માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીએ. વિસર્જન સમયે તેને ડોલ કે ટબમાં ઘરે જ કરીએ. આ એક નાનકડો પ્રયાસ પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવામાં મોટો ફાળો આપી શકે છે. ગણપતિ બાપાને સાચા હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આપણું સ્વચ્છ ભારત હંમેશા સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બની રહે. પ્રકૃતિની ગોદમાં આપણો દેશ પ્રાકૃતિક સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઉઠે અને સૌ કોઈને કુદરતી આનંદ આપે.
આજના આ પવિત્ર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાના ચરણોમાં નમન, વંદન અને પ્રણામ. જય ગણેશ! વિઘ્નહર્તા ગજાનંદ કી જય હો!
(નોંધ: આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો મનસુખભાઈ કનેજીયાના વ્યક્તિગત વિચારો પર આધારિત છે.)
------
Ads