રાજ્યમાં અતિભારે વરસાદ વચ્ચે અસરગ્રસ્તોની સહાય માટે ગુજરાત ભાજપાએ 24×7 હેલ્પલાઇન

 રાજ્યમાં અતિભારે વરસાદ વચ્ચે અસરગ્રસ્તોની સહાય માટે ગુજરાત ભાજપાએ 24×7 હેલ્પલાઇન સેવા શરૂ કરી


ગાંધીનગર, તા. 23 જુલાઈ 2026

રાજ્યમાં અતિભારે વરસાદ અને તેના પરિણામે સર્જાયેલી પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 24×7 હેલ્પલાઇન સેવા તથા કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે.

આ હેલ્પલાઇન દ્વારા અસરગ્રસ્ત નાગરિકો અથવા તેમના સ્વજનો 63597 01000 અને 63596 02000 નંબર પર સંપર્ક કરીને અસરગ્રસ્ત વ્યક્તિની જરૂરિયાત, સ્થળ, સંપર્ક વિગતો તેમજ અન્ય જરૂરી માહિતી નોંધાવી શકશે. પ્રાપ્ત થતી માહિતીના આધારે અસરગ્રસ્તોને સમયસર સહાય પહોંચાડવા માટે જરૂરી સંકલન કરવામાં આવશે.

આ સેવા માટે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અહીં ભાજપાના કાર્યકર્તાઓ દિવસ-રાત હાજર રહી અસરગ્રસ્ત નાગરિકોની માહિતી એકત્રિત કરી જરૂરી સહાય અને રાહત કામગીરી માટે સંકલન કરશે.

અખબારી યાદીમાં જણાવાયું છે કે ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનતા વચ્ચે રહી નિઃસ્વાર્થ સેવા, રાહત અને સહાય કાર્યોમાં સક્રિયપણે જોડાયેલા છે. ‘સેવા હી સંગઠન’ના મંત્રને સાર્થક કરતાં કાર્યકર્તાઓ અસરગ્રસ્ત પરિવારો સુધી મદદ પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.

ગુજરાત પ્રદેશ ભાજપાએ જણાવ્યું છે કે આ કુદરતી આપત્તિના સમયમાં દરેક અસરગ્રસ્ત નાગરિક સુધી શક્ય તેટલી ઝડપથી સહાય પહોંચે તે માટે સંગઠન સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તમામ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું