
રાજકોટ: શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ-રાજકોટ દ્વારા નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ના પ્રારંભ પૂર્વે સમાજના સભ્ય પરિવારોના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો તથા ફુલસ્કેપ લેખનબુકોનું વિતરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. બાલાજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શેરી નં. ૨, ગોંડલ રોડ જકાતનાકા પાસે આવેલ પ્રગતિ મંડળના કાર્યાલય ખાતે તા. ૩ જૂન, ૨૦૨૬ના રોજ આ સેવા કાર્ય યોજાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧ થી ૧૨ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી પાઠ્યપુસ્તકો અને લેખનબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણ માટે સવારના ૮:૦૦ થી બપોરના ૧૨:૩૦ અને બપોરના ૪:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સમગ્ર આયોજન પ્રગતિ મંડળના અધ્યક્ષ અરવિંદભાઈ ગજ્જર તથા પ્રમુખ રમેશભાઈ સોનીગરાની આગેવાની હેઠળ અને માનદ મંત્રી રમણીકભાઈ પાટણવાડિયાના માર્ગદર્શન મુજબ સુચારુ રીતે સંપન્ન થયું હતું.
વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સભ્ય પરિવારોના વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો. ઉપરાંત, જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર નિર્ધારિત દિવસે પુસ્તકો અને લેખનબુક લેવા આવી શક્યા નહોતા તેમના માટે તા. ૭ જૂન, ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ સેવા કાર્યમાં ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ ઝિંઝુવાડિયા, દીપકભાઈ ચંદવાણિયા, રમેશભાઈ એમ. પાટણવાડિયા, નલીનભાઈ ગંગાજળિયા, હિતેષભાઈ માંડવિયા, વિમલભાઈ સોંડાગર, ગોપાલભાઈ ખંભાયતા, નિતિનભાઈ બકરાણિયા, પ્રફુલભાઈ કરશાળા, વિનોદભાઈ ધારૈયા, જિતેન્દ્રભાઈ ધારૈયા, તુષારભાઈ સોંડાગર, અલ્પેશભાઈ ખંભાયતા તેમજ અર્ચનાબેન બકરાણિયા, ત્રીષાબેન સહિતના સેવાભાવી કાર્યકરોએ સમયદાન આપી વ્યવસ્થાને સફળ બનાવી હતી.
પાઠ્યપુસ્તકો અને લેખનબુકોના વિતરણ સાથે સમાજના સભ્ય પરિવારોની નવી સરનામા બુક તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જે સમાજના સંગઠન અને સંપર્ક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે યોજાતું આ સેવા કાર્ય સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને સહકારની ભાવનાને વધુ સશક્ત બનાવે છે. શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
અહેવાલ : રમણીકભાઈ પાટણવાડિયા, મંત્રીશ્રી, શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ-રાજકોટ


